એક એહસાસના તરાપે સમંદર માથે લીધા છે, બાકી, ઈશ્વર કોણે દીઠા છે?


એક એહસાસના તરાપે                     
સમંદર માથે લીધા છે,
બાકી,
ઈશ્વર કોણે દીઠા છે?

છેલ્લા ઘણા દિવસ થી મનમાં એક દ્વંદ ચાલી રહ્યું હતું કે આ વિષય પર લખવું કે નહિ! મને આ અસમંજસ માંથી બહાર આવતા ઘણો સમય થયો અને પછી મેં નિર્ણય કર્યો કે મારે આ વિષય પર નથી લખવું. મેં મારો લેખ અધુરો છોડી દીધો. કારણ કે હું મોટા ભાગના કિસ્સાઓમાં એક સકારાત્મક અભિગમ રાખનાર વ્યક્તિ છું અને આ વિષય મારા મનમાં નકારાત્મક લાગણીઓ પેદા કરતુ હતું.

પરંતુ, આજે જયારે હું ગીતાંજલિ વાંચતી હતી, મન ખુબ જ પ્રસન્ન થઇ ગયું. આજે હું રવીન્દ્રનાથ ઠાકુર ની લેખની પરથી શીખી કે કેવી રીતે નકારાત્મક ભાવનાઓને, પોતાની દ્રષ્ટી, વિચાર અને લખાણથી સકારાત્મકરૂપે, સ્વયં અને બીજા સમક્ષ દ્રશ્યમાન કરી શકાય! ટેગોરના વિચારો, લેખની અને ગીતાંજલિ પુસ્તકને મારા કોટી-કોટી નમન! આ પુસ્તકે મને મારા અધૂરા લેખને પુરા કરવાની પ્રેરણા અને હિંમત આપી. આ લેખ સ્વતંત્રરૂપે મારા વિચારો છે અને કોઈ પણ ધર્મ કે વ્યક્તિને ઠેસ પહોચાડવાના ઉદ્દેશ્યથી મેં આ લખાણ નથી લખ્યું. પ્રામાણિકરૂપે  મારા મન અને મગજમાં જે પ્રશ્નો ઉદભવ્યા છે એ જ તમારી સામે રજુ કરું છું. 

અમારા એપાર્ટમેન્ટમાં દર વર્ષે ગણપતિ સ્થાપના થાય અને ગણેશ-ચતુર્થી થી લઈને આનંદચૌદસ સુધી રોજ સાજે પૂજા અર્ચના થાય. બાળકો માટે તો આ દિવસો કોઈ ઉત્સવથી પણ ખુબ વધારે લાગે. અહીં રહેતા મોટાભાગના શ્રદ્ધાળુઓ સાંજે ૭.૩૦ વાગ્યે મૂર્તિ સ્થળ પર ભેગા થાય. હું વ્યક્તિગતરૂપે આ પ્રવૃતિઓમાં ઓછો રસ લઉં પણ, ઇહિતનો ઉત્સાહ જોઈ ક્યારેક એની સાથે નીચે જાઉં. આરતી ચાલુ થાય એટલે હું મારી આસપાસ ઉભેલા લોકોનું અવલોકન કરું, વિશેષરૂપે મહિલાઓનું ! બધાજ સંપૂર્ણ શ્રદ્ધાથી આરતીના માહોલમાં રંગાયેલા હોય.

‘જય ગણેશ, જય ગણેશ દેવા,
માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા!’

ઢોલકની તાલ, તાળીઓ નો અવાજ અને અગરબત્તીની સુવાસ, ખરેખર જ મન પ્રફુલ્લિત થઇ જાય! સંગીત મનને ભાવવિભોર  કરી દે. પણ, જેમ-જેમ આરતી આગળ વધે, અને જેવા શબ્દો કાને અથડાય, મારું મગજ ચકરાવે ચઢી જાય. મન એક વિચિત્ર ઘભરાટ અને વિષાદની લાગણી થી ઘેરાઈ જાય.   



‘અંધન કો આંખ દેત, કોઢીન કો કાયા,
બાંઝ્ન કો પુત્ર દેત, નિર્ધન કો માયા!

બસ! અહીંજ મારા માટે બધી જ સોમ્યતા, શાંતિ, શ્રદ્ધા, મૂર્તિ, સંગીત, તાલ બધું જ નિરાકાર થઇ જાય અને એની આગળ મારાથી કશું સાંભળી કે માણી શકાતું જ નથી. મન હજારો સવાલ લઈને સામે ઉભું થઇ જાય છે.

મને બીક લાગે છે કે મારો દીકરો જો મને આનો અર્થ પૂછી લેશે તો હું શું જવાબ આપીશ? હું એને શું સમજાવીશ? એને તો કહેવામાં આવે છે કે આ ગણેશજીની આરતી છે. ભગવાનને પ્રસ્સન કરવા આપણે આ કામ કરીએ છીએ. પણ, આરતીમાં વપરાયેલા શબ્દો અને એના અર્થનું વિશ્લેષણ કરીએ તો શું ખરેકર ગણપતિજી પ્રસન્ન થતા હશે?

ઉપરની પંક્તિમાં કહેવાયલી ચારેય વાતો માનવ મૂલ્યોની સદંતર વિરુદ્ધ છે. જેમાં વિકલાંગ હોઉં, બાળક વગરની સ્ત્રી હોઉં, સુંદર નહિ દેખાવું કે ગરીબ હોઉં એ સમાજમાં હીન વસ્તુ છે. અને આ સમસ્યાનો સરળ ઉપાય શ્રી ગણેશ પાસે છે.

બસ કરો યાર! કેમ આપણે આપણા જીવનમાં તર્ક ને થોડું પણ સ્થાન નથી આપતા? સ્ત્રી એ મમતાની મૂર્તિ છે, ભારતીય સ્ત્રી સવેંદનશીલતાની પ્રતિમા છે, તો પછી કઈ શ્રદ્ધાથી આ સ્ત્રીઓ આરતીના શબ્દોનું પુનરાવર્તન કરીકરીને ગાયે જાય છે? શું એમના મનમાં કોઈ પ્રશ્ન નથી ઉદ્ભભવતા? એક સ્ત્રી બીજી સ્ત્રી ને બાંઝણ જેવા શબ્દો કહેવાય તે કેવી રીતે સાંખી શકે ? કોઈ સ્ત્રીએ બાળકને જન્મ આપવો કે ના આપવો, એ એનો અંગત પ્રશ્ન છે. કોઈ સ્ત્રી કોઈ પણ કારણવશ બાળકને જનમ નથી આપી શક્તિ તો એમાં ગણેશજી કઈ નહિ કરી શકે. અને બીજું કે બાળકને જનમ નહિ આપી શકવા માટે આપવામાં આવતું આ ‘બિરુદ/સન્માન’, માત્ર સ્ત્રી ને જ કેમ? પુરુષ ને કેમ નહિ?
ખરેખર, આપણે ચમત્કાર થવાની આશાઓમાં જીવીએ રાખીએ છીએ અને જિંદગી આપણી બાજુમાંથી પસાર થઇ જાય છે. હમણાં થોડા દિવસ પહેલા એક વીડિઓ જોયો. એમાં કેવી રીતે એક માતા પોતાના શારીરિક રીતે વિકલાંગ બાળકને પ્રેરણા આપે છે કે જીવન dignity કોઈની દયા વગર કેવી રીતે જીવાય. એ બાળક વગર હાથે અને વગર પગે પણ લસરપટ્ટી પર ચઢે છે અને એમાંથી લસરવાની મઝા પણ માણે છે. આ આખાય પ્રસંગમાં માતા બસ એના બાળકને શાબ્દિક પ્રોત્સાહન આપે છે. અને આપણે, ભગવાન પાસે હાથ ફેલાઈને, ચમત્કારની આશામાં આપણું આયખું પૂરું કરી નાખીએ છીએ. બની શકે મારા વિચારો કોઈની લાગણીને ઠેસ પહોચાડે. પણ, મિત્રો હું શ્રદ્ધાની નહિ પણ અંધશ્રદ્ધાની વિરોધી છું. આ બંને વચ્ચેની પાતળી  ભેદરેખા આપણે ઓળખવી પડશે. સર્વધર્મ, સર્વજાતી અને સર્વજીવ તો માનવતાના પાયામાં છે. તો પછી આપણી શ્રદ્ધા આટલી પાંગળી કેમ બની જાય છે? આ ખરેખર ચિંતાનો વિષય છે અને દરેક મનાવે આની ચિંતા કરવી જોઈએ જ. હું મારા લેખનો અંત, ગીતાંજલિમાં અપાયેલા ટેગોર ના સંદેશ થી જ કરીશ.

‘માળાના આ મણકા ફેરવવાનું, મંત્રજપ અને આ રગડા તાણવાનું તું મૂકી દે. બંધ દરવાજાવાળા મંદિરના અંધાર એકાંત ખૂણામાં આ તું કોને ભજી રહ્યો છે? આંખો ઉઘાડીને જોઈ લે કે તારો પ્રભુ તારી સમક્ષ નથી! ક્યાં છે પ્રભુ?
એ તો ત્યાં છે – જ્યાં કિસાન પોતાના ખેતરોમાં હળ ખેડી રહ્યો છે, જ્યાં સડક બાંધનાર મજુરો પત્થર ફોડી રહ્યા છે; એ તો ત્યાં છે. – તેઓ ની સાથે છે.  – આકરા તડકામાં અને વરસતા વરસાદમાં જેમના વસ્ત્રો ધૂળ-કાદવથી ઢંકાઈ ગયા છે. પવિત્ર દેખાવવાળો તારો આ મુખવટો ઉતારી નાખ અને પ્રભુની જેમ જ તું પણ આ ધૂળ-કાંકરાવાળી ધરતી પર આવી જા !
મોક્ષ? મોક્ષ તને ક્યાં જડશે? આપણો આ પ્રભુ પોતે જ આ આનંદપૂર્વક આ સૃષ્ટિની રચનાના બંધનોમાં આપણી વચ્ચે આવ્યો છે. આપણા માટે જ તે સદાય આમ બંધાયેલો છે.

પુષ્પો અને અગરબત્તીઓને પડખે રાખીને તારી ધ્યાન સાધનામાંથી બહાર આવ. તારા વસ્ત્રો મેલા થાય કે ફાટી જાય તો તેથી શું? પ્રભુને મળીને એની પડખે રહે અને એની સાથે પસીનો વહાવતા પરિશ્રમમાં તું જોડાઈ જા.’ 

Comments

  1. Riddhi.... Very true... You have given words to my thoughts... Existence of the supreme power has to be in living things beyond any discrimination, disrespect, blind and baseless faith.... Very well built up and composed writing....love you for this....

    ReplyDelete
  2. ખુબ ખુબ અભિનંદન કેટલાય હૈયાઓના મનોમંથનને વાચા આપવા બદલ. ખુબ સરળ શબ્દોમાં ખુબ અઘરા વિષયને વણી લેવાની તમારી કલમની તાકાત સાચે જ કાબિલે તારીફ છે. અહીં થોડીક અસ્તવ્યસ્ત પંક્તિઓ મુકવાની લાલચ રોકી શકતી નથી.

    શ્યામ તારી બંસી રોએ ચોધાર
    અનરાધાર
    એના આંસુ ક્યાંક ધોળા તો ક્યાંક પીળા
    ક્યાંક ચાંલ્લા તો ક્યાંક ટીલાં
    રહ્યું ક્યાં હવે "આપણું ઘર"
    જયારે હું છું 'સેલ્ફ' ને તું છે 'અધર'
    ઓ રે માનવી,
    બ્રહ્માંડની પાળ તું તોડ મા
    યુરેનસ પછીનો નવો ગ્રહ તું ખોળ મા
    બાંધીને તારા મનને આંગણે
    સંકુચિતતાની વાડ
    નવા અવકાશી યાન તું છોડ મા...

    ReplyDelete
  3. Thank you for the wonderful feedback.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

If they give you ruled paper, write the other way

આત્માનો અમી --- ઓળખો, વહેંચો અને જીવો

Tongue Twister or Thought Twister...