Disinterested Love – Not asking back

Disinterested Love – Not asking back

Replace the love of power for power of love ---  Ramin Jahanbegloo

મારા ઘરની બાલ્કની મારા કરતાં વધારે મારા બ્લોગ પર પ્રસિદ્ધિ પામી છે. પણ શું કરું! જાણે આ જગ્યા મારી દ્રષ્ટી અને વિચારોને જોડતી એક સુંદર કડી હોય એમ મને હમેંશા આભાસ થાય છે. મારા ઘરની આ બાલ્કની ની આગળ એક ખાલી પ્લોટ છે, જેનો સમય અને સંજોગો પ્રમાણે અલગ-અલગ પ્રકારે ઉપયોગ થયા કરે  છે. જેમ કે વેકેશનમાં બાળકો માટે ક્રિકેટની પિચ બની જાય છે, લગ્ન સિઝનમાં નજીકના પાર્ટી પ્લોટ માટે પાર્કિંગની જગ્યા બની જાય છે તો ક્યારેક મારા જેવા માટે મોકળાશથી ગાડી શીખવા માટેનું મેદાન બની જાય છે. પણ એની સાથે આ ખાલી જમીન ઘણા બધા નાના-નાના જીવ જંતુઓ નું કાયમી રહેઠાણ પણ છે. જોકે, આ વિચાર મને જાતે ક્યારેય આવ્યો નહોતો. આ વિચાર આવ્યો થોડા દિવસ પહેલા બે વ્યક્તિઓને આ પ્લોટમાં ફરતા જોઇને.

રોજ સાંજે ૫.૩૦ થી ૬.૦૦ ની વચ્ચે એક અંકલ અને આંટીનો અહીં આવવાનો નિત્યક્રમ છે. કોઈ પણ ઋતુ હોય, કોઈ પણ તહેવાર હોય, એમનો નિત્યક્રમ ભાગ્યે જ બદલાતો હશે. બંને હાથમાં એક-એક લોટની ભરેલી પ્લાસ્ટિકની થેલી લઈને આ ખાલી જમીનમાં ફરતા જાય ને પ્રત્યેક દરમાં કીડીયારું પુરવાનું કામ કરતા જાય! ત્યાં જેટલા પણ નાના- મોટા જીવ જન્તુંઓના દર હશે એ બધાંમાં જ એ લોકો ખોરાક નાખવાનું કામ કરે ! છેલ્લા થોડા દિવસથી મને આ દ્રશ્યનું addiction થઇ ગયું છે. ઘડિયાળમાં ૫.૩૦ વાગે એટલે હું બાલ્કનીમાં જઈને ઉભી રહી જાઉં અને એમની કાગડોળે રાહ જોઉં. જો ઇહિત (મારો દીકરો)  જાગતો હોય તો એ પણ કમ્પની આપે મને આ દ્રશ્ય જોવામાં!

મિત્રો, એ લોકો રોજ એક જ કામ કરે છે છતાં પણ મને આ દ્રશ્ય જોવાનું ખૂબ સારું લાગે છે, શાંતિ મળે છે અને એક સકારાત્મક લાગણીનો અનુભવ થાય છે એટલે જ જો હું આ સમયે ઘરે હોઉં તો ક્યારેય આ દ્રશ્ય ને ચૂકતી નથી. આ પ્લોટમાં એમને બધા જ દર શોધીને કીડીયારું પૂરું કરતાં લગભગ વીસેક મિનીટ થાય. આ વીસ મિનીટ હું અને ઇહિત, કયા દરમાં કયા જીવ રહેતા હશે અને એમની સંખ્યા કેટલી હશે, જેવી વાતો કરતા રહીએ અને અંકલ-આંટી ને જોતા રહીએ. એક વાર ઇહિતે મને કહ્યું કે ચાલોને મમ્મા આપણે એમને જઈને પૂછીએ કે આ લોકોને કોણે કહ્યું છે આ કીડા-મકોડાને રોજ ખવડાવવાનું? એ લોકો કેમ આમ રોજ કરે છે? મને પણ ઇહિતની  વાત ગમી અને મન થયુ કે ચાલ જઈને એમના નામ તો પૂછું અને તપાસ કરું કે એ લોકો ક્યાં રહે છે, શું કરે છે? અમે બંને બીજે દિવસે નીકળી પડ્યા એમને મળવા!

હું રોડ પર ઊભી ઊભી એમને  જોઈ રહી. નજીકથી એમને જોઇને ખરેખર વધુ પ્રસન્નતા થઇ. પણ મારા પગ એ લોકોની વધુ નજીક જઈ એમને કોઈ પણ પ્રશ્ન પૂછવા ઉપડ્યા નહી. એ ક્ષણે મને લાગ્યું કે શું જરૂર છે એમના નામ જાણવાની. એમના નામ જાણીને શું ફરક પડશે? આ બંને વ્યક્તિઓ કોઈ પ્રસિદ્ધી માટે આ કાર્ય નથી કરી રહ્યા. એમના આંતરીક આનંદમાં વિક્ષેપ પાડવાનો  મને કોઈ હક નથી. આ કાર્યને સેવા કહો, દાન કહો charity કહો... જે કહો પણ સાચેજ અદભુત કાર્ય! અને એ પણ આજના સમયમાં! જ્યાં Charity એક fashion બની ગઈ છે.

હું ઘણા વર્ષોથી એક સંસ્થા સાથે કામ કરું છું જેનો ઉદ્દેશ્ય છેવાડાના જરૂરિયાતવાળા વ્યક્તિ સુધી પહોંચી એને શિક્ષા, સ્વાસ્થ્ય, આજીવિકા અને અન્ય પ્રાથમિક જરૂરિયાત પહોંચાડવાનો છે. એની સાથે સાથે આ લોકો પોતાના પ્રશ્નો ના ઉકેલ પોતે શોધી શકે એ માટે તેમને સક્ષમ બનાવાનો પ્રયાસ પણ કરે છે. આવી ઘણી સંસ્થાઓ દુનિયાભરમાં ખુબ પ્રમાણીકતાથી પોતાના કર્યો કરે છે આ  સંસ્થાઓ પોતાના કામ માટે સંપૂર્ણ પણે દાન/grant પર નિર્ભર હોય છે. મારી પાસે ચોક્કસ આંકડા તો નથી પણ અનુભવ થી કહી શકું છું કે છેલ્લા થોડા વર્ષો માં આવી સંસ્થાઓને દાન આપનાર દાતાઓ, grant agencies અને corporate ની સંખ્યામાં વધારો થયો છે. કદાચ એનું મુખ્ય કારણ સરકાર દ્વારા આપણા દેશમાં CSR (Corporate Social Responsibilities)ની  ગતિવિધિઓ ને અનિવાર્ય કરવાનું પણ હોઈ શકે. જે હોય તે પણ આ ખરેખર ખૂબ આનંદ ની વાત છે કે આજે વિકાસના કાર્યો માટે અલગ-અલગ stakeholders પોતાનું યોગદાન આપી રહ્યા છે. પરંતુ, આ પ્રકારના funds થી દાનનું સ્વરૂપ  ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે. હવે તો આ પ્રકારના funds ને દાન કહેવું કે નહિ એ પણ અસ્પષ્ટ છે. કારણ કે દાન એટલે હમેંશા એમ જ સાંભળેલું અને જોએલું કે  વગર અપેક્ષાએ અને વગર પ્રસિદ્ધીએ જે આપી શકો એ આપો અને -  સંપૂર્ણ વિશ્વાસ થી આપો. જયારે આજની પરિસ્થિતિમાં તો દાનની સામે - પરિણામ અને પરિવર્તનની અપેક્ષા અને મોટા ભાગના કિસ્સામાં અવિશ્વાસ થી ભરપુર અપેક્ષા -આ લેણ-દેણના પાયાની જરૂરિયાત થઇ ગઈ છે. તો પછી મિત્રો એને દાન કહી શકાય? કેવી રીતે?

આપણા વડીલો પાસેથી આપણે ઘણી વાર સાંભળ્યું છે કે પહેલા કહેવાતું, ‘જમણા હાથથી કોઈને મદદ કરો તો ડાબા હાથને પણ એની ખબર ના પડવી જોઈએ તો જ સાચું દાન કર્યું કહેવાય. મને લાગે છે કે એ બહુ સાચું કહેવાયું છે કારણ કે કોઈ ને કંઇક આપવાની લાગણી, તરત જ મનમાં ઘમંડ ઉત્પન્ન કરે છે, આપનાર એ લેનાર કરતા ઉપર થઇ જાય છે અને ત્યાં જ સમાજમાં અસામનતા ઉભી થાય છે. જયારે વાસ્તવમાં જોઈએ તો આ સંબંધ એક તરફનો નથી, પરસ્પર આદાન-પ્રદાનનો છે. પછી ભલે એ માણસ – માણસ વચ્ચે નો હોય કે માણસ – જાનવર વચ્ચેનો હોય. બંગલામાં રહેનાર વ્યક્તિ, પાસેની વસ્તીમાં જઈને જરૂરિયાતમંદ લોકોને કપડા, ધાબળા કે રમકડા આપે ત્યારે જે સંતોષ કે આનંદ ની લાગણી મળે, એ જ જે-તે વ્યક્તિની પુંજી છે.  (જો આ કાર્ય social media ના status માટે નહિ અને સાચા દાન આપવાની ભાવનાથી કરવામાં આવ્યું હોય તો). અહીં આવશ્યક વસ્તુઓ ની વહેંચણી કરનારે દાનમાં વસ્તુઓ આપી પણ એની સામે સંતોષ અને આનંદ પણ કમાયા. જેથી કહી શકાય કે સાચા અર્થમાં આદાન-પ્રદાન થયું. અહી ધાબળા વહેંચનાર વ્યક્તિ ક્યારેય જરૂરિયાતમંદ વ્યક્તિથી ઉપર નહિ થાય. અને આ વાસ્તવ આદાન-પ્રદાનમાં પ્રસિદ્ધીનું સ્થાન પણ ઘણું સુક્ષ્મ હશે. કોઈની વગર અપેક્ષાએ મદદ કરવાની વૃતિ વ્યક્તિને પરમ સુખની અનુભૂતિ કરાવે છે. આ અનુભૂતિને ઈરાનિયન ફીલોસોફેર  પ્રોફેસર રામીન ‘Disinterested love’ ના નામે ઓળખાવે છે. આ પ્રેમ આપણને Readymade  ક્યારેય નહિ મળે. આ પ્રેમને પામવા આપણે સમાન આદાન-પ્રદાનનો ભાગ બનવું પડશે. અને એટલે જ આજે charity ની આખી પરિભાષા જ બદલી નાખનાર નવા concepts કે પછી સંસ્થાઓમાં વ્યક્તિગત દાન કરીને પોતાના કે પોતાના સગા-વાલાના નામની તકતીઓ લગાડવાવાળા લોકો ખરેખર સાચા અર્થમાં દાન કરે છે એ માનવા મારું મન તૈયાર થતું નથી.

ઘણી વાર આવા ગાંડા- ઘેલા વિચારોથી મન થોડું વિચલિત અને દુ:ખી થાય છે.પણ જયારે કીડીયારું પૂરતા આ અંકલ –આંટી ને જોઉં છું ત્યારે બધી negative feelings ભાગી જાય છે અને મન પાછું નવા ઉમંગ થી ભરાઈ જાય છે. Richard Carlson એ પોતાની પુસ્તક, ‘Don’t Sweat the Small Stuff’ માં લખ્યું છે કે

If we focus on how little difference our acts of kindness really make in the scheme of things, surely we will end up frustrating- and will probably use our hopelessness as an excuse to do nothing. If, however, we take great care in doing something – anything – we will feel the joy of giving and will help to make our world just a little bit brighter.

હું અંકલ –આંટી અને તેમના જેવા કાર્ય કરનાર બધા જ લોકોને કોટી-કોટી પ્રણામ કરું છું. એમના કાર્ય ને જોઇને લાગે છે કે એ મધર ટેરેસાએ કીધેલું વિધાન યથાર્થ કરી રહ્યા છે.  

We cannot do great things on this earth. We can do little things with Great Love

 – Mother Teresa 

Comments

  1. Disinterested love... No asking back... So true... It is the purest form of love I believe... Very well written Riddhi... I feel it's our moral responsibility to share selflessly whatever we have

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

If they give you ruled paper, write the other way

આત્માનો અમી --- ઓળખો, વહેંચો અને જીવો

Tongue Twister or Thought Twister...