સહિયારો માળો

સહિયારો માળો
આ પવન આ પતંગ એ બંને
પ્રેમીઓ ને તો આ જ સમજાવે
એકબીજાને બહુ માફક હો
તો જ આકાશ હાથમાં આવે
-     શેખાદમ આબુવાલા

કહેવાય છે કે ધરા અને ગગન એક-મેકના બિલકુલ વિરુદ્ધ. છતાં ઘણીવાર બંને ગજબના તાલ-મેલના ઉદાહરણ પ્રસ્તુત કરે છે જેમ કે ઉદેપૂરની ગરમીની બાબતમાં, બે માંથી કોણ વધારે અગ્નિ વરસાવે છે, જમીન કે આકાશ કોઈ કહી ના શકે. જો કે કહેનારા કહી શકે કે ગરમી વરસવાનું કામ તો સૂરજ કરે છે, આ બંને તો બિચારા એને ઝીલે છે. બની શકે એ પણ સાચું હોય. પણ, મે મહિનાની ગરમી ની સવારના સવા છો વાગ્યે મારા ઘરની બાલ્કની ની સામેના નાના ડુંગરોની વચ્ચેથી ડોકિયું કાઢતા સૂરજ ને જોઇને ઉપરનું કથન સંપૂર્ણ મિથ્યા લાગે.

આજે સવારે રોજ ની જેમ હું મારા ઘરની બાલ્કનીમાંથી સૂર્યોદય જોઈ રહી હતી. આ કામ મારું રોજ નું સૌથી પહેલું અને ગમતું કામ છે. અત્યંત શીતળ, સંવેદનશીલ, સોમ્ય અને એના ગહેરા નારંગી રંગમાં કેટલાય સંદેશાઓ લઈને આવતો આ સૂરજ! કોઈ આ સૂરજને ભાળીને કહી જ ના શકે કે હમણા થોડા કલાકો પછી આ એક અગનશીલ ચાદર તળે આખા  શહેરને દઝાડી દેનારો જ સૂરજ છે. પણ એ તો થોડા કલાકો પછી ની વાત ને, હમણા તો હું સૂરજ ના મારી સામે પ્રગટેલા એ રૂપ ને જ નિહાળતી રહી જે પૃથ્વી પરના  દરેક જીવને એક નવી ઉમંગથી આજનો  દિવસ શરુ કરવાની પ્રેરણા આપી રહ્યો છે.

ગઈ કાલે હું અને રોનક (my husband) સૂર્યોદયને માણી રહયા હતા. એની સાથે-સાથે અમે એક દ્રશ્ય બીજું પણ જોઈ રહ્યા હતા. એક પક્ષી, કાળા બગલા જેવું લાગે, મને નામ નથી ખબર એનું, એ સૂર્યોદય ની સાથે જ બરાબર કામ પર લાગી ગયું છે. ‘અમારા  ઘરની પાછળ ના ભાગમાંથી ઘઉં વાઢયા પછી વધેલા તણખલાઓને એક-એક કરી ને વીણતું  જાય છે ને ચાંચમાં ભરી ઉડી જાય છે. પાછુ થોડી વારમાં આવે છે ને બીજું તણખલું ઉપાડી ઉડી જાય છે.’  અમારા જોતા જોતા એને પંદર થી વીસ ચક્કર તો મારી જ દીધા હશે, એક ચોક્કસ પ્રતિબદ્ધતા અને નીર્ધારીતાની સાથે. જ્યાં સુધીએ કામ કરતુ રહ્યું, હું અને રોનક એને જોઈ જ રહ્યા. સાચે જ બહુ જ સુંદર દ્રશ્ય હતું. અમે બંને એ વિચાર્યું કે એ એના માળા માટે રો-મટીરીયલ એકત્ર કરી રહ્યું છે. એના મનમાં કેટલો બધો ઉમંગ અને આત્મવિશ્વાસ હતા. જયારે એની ચાંચમાં એ તણખલા ઉઠાવી ને જઈ રહ્યું હતું, એટલી બધી સ્થિરતા હતી એની પાંખોમાં. આ સ્થિરતા, ઉમંગ અને આત્મવિશ્વાસ  ખરેખર ચાડી ખાઈ રહયા હતા એની એક સુંદર માળાનું નિર્માણ કરવાની તીવ્ર જિજીવિશાની !

સૌથી પહેલા આ દ્રશ્ય જોઈને મારા મનમાં પ્રશ્ન થયો કે આ પક્ષી નર હશે કે માદા? એક વાર મન થઇ આવ્યું કે કોઈ પક્ષીવિદને પૂછી જોવું કે ગુગલ કરી ને શોધું કે આ પ્રજાતિમાં માળો બનાવવાનું  કામ કોણ કરે છે, નર કે માદા? પછી વિચાર્યું કે શું ખરેખર એ જાણવાની જરૂર છે? શું ફરક પડશે એનું લિંગ જાણીને. એના પ્રયત્નો અને એના સપના, લિંગ પર નિર્ભર નથી કરતા. જ્યાં એ માળો બનાવી રહ્યું છે એ સ્થાન તો હું નથી જોઈ શકવાની. પણ હું એવું કલ્પું છું કે એ આ રો-મટીરીયલ એના સાથી ને જ સોંપીને આવતું હશે.  કેમ કે માળો તો એમ જ બને ને, એક-મેક ના સહકારથી, સહવાસથી અને વિશ્વાસથી. પછી ભલેને એ માળો હોય કોઈ પક્ષીનો કે આપણો !

જો આ પક્ષી- પાટનર્સ અને તેમનો માળો બનાવવાની પ્રવૃત્તિને પ્રતિકરૂપ માની એની તુલના હું મનુષ્ય પ્રજાતિ સાથે કરુંતો બંનેમાં કેટલી સમાનતા છે. આપણે પણ તો આમજ માળો બનાવીએ છીએ. આપણા માટે અને આપણા બાળકો માટે. જેમાં સહવાસ, સહકાર અને સંસ્કારનો સમાવેશ હોય. કોણ વધારે અને કોણ ઓછુ કામ કરે છે કે એવી ગણતરીઓની જગ્યાએ પરસ્પર સમ્માનની ભાવના હોય. દુનિયાભરની તકલીફો અને તનાવથી લડીને જયારે આપને આપણા માળામાં આવીએ ત્યારે લીમડાની ઠંડી શીતળતાનો અનુભવ થાય. એને જ તો ઘર કહેવાય,બરાબર ને? મિત્રો, સાચે જ ઘરનું આપણા જીવનમાં ખૂબ આગવું મહત્વ છે.

આજે હું મારી આસપાસ એવા ઘણા માળા અનુભવું છું જે આર્કીટેકચરની દ્રષ્ટી એ ખૂબ મજબૂત અને સુંદર છે      પણ અંદર એક ખલીપો છે, શૂન્યાવકાશ છે. મકાનની દીવાલ મજબૂત કરવાના પ્રયત્નોમાં સંબધની ઈમારતના પાયામાં કચાશ રહી ગઈ હોય એવું લાગે છે.. જ્યાં પાટનર્સે એક બીજાની આંખોમાં જોઈએને કહેવાની અને સાંભળવાની વાતોનું સ્થાન સીમિત કરી દીધું છે કે પછી એને  whatsapp અને facebook ના હવાલે સોંપી દીધું છે.  હું નથી કહેતી કે આ ડીજીટલ યુગ ખોટો છે, હું ટેકનોલોજીની વિરોધી પણ નથી. હું પણ એના મારફત જ તો તમારી  સાથે મારા વિચારો share કરી રહી છું. પણ, આપણે એ સમજવું તો પડશે ને કે માળામાં વર્તાતી ઉષ્મા અને હુંફનો અનુભવ અન્ય સ્થાનોમાં શોધવાનો પ્રયાસ નિરર્થક છે. શું આ અનુભવ ડીજીટલ મીડિયા ક્યારેય આપી શકશે?

આજે હું જોવું છું ઘણા કપલ્સને જેમની વચ્ચે બધું જ હોવા છતાં પણ કઈક ખુટવાનો એહસાસ વર્તાય છે. એમના ઘરમાં ફોર સ્ટાર હોટલની સુવિધાઓ તો આવી ગઈ છે પણ સાથે જ એમાં રહેતા લોકો એકલા એકલા થઇ ગયા. મન થાય છે કે કાશ આ માળો બનાવતા પક્ષીને દરેક પાટનર્સ જોઈ શક્યા હોત, અનુભવી શકયા હોત, તો આજે તેઓ હોટેલ અને ઘરની વચ્ચેનો તફાવત સમજી શક્યા હોત.
મને આજે ઘણા વર્ષો પહેલા લખેલી મારી જ પંક્તિઓ યાદ આવી ગઈ જેની સાથે મારું લખાણ પૂરું કરું છું.
એક તૂટેલું મકાન,
જીર્ણ બારસાખ પર લટકતા અધખુલ્લા બારણા,
ને’ અંદરથી રેલાતાં ભવ્ય સૂર,
સ્વર્ગ સમું આ શમણાનું ઘર તારું મારું!

Comments

  1. "Halve halve sheet lahar ma, zumi rahi chhe daalo;
    Sangathe sukh shodhiye, rachiye, ek hoonfalo Malo..."

    Kavi shree Tushar Shukla nu aa geet (one of my all time favourite) yaad aavya vina nai rahe, aa article vaanchya baad..

    Very true, Riddhi, jivan Na Nana Nana anubhavo, utaar-chadhav, nishfaltao ane safaltao ne sathe rahi ne jive e j sacha jeevan sathi...

    E sukh ni jaherato nathi hoti..

    Ketliye vaar evu bane ke dukh ke mushkelio ma adikham rahi ne ek thai samno karya baad, emathi bahar nikli ne, paachhu vali ne joie tyre j jeevan sathi Na sacha prem ni anubhooti thaay chhe..aa maro jaat anubhavo chhe..

    Mane yaad nathi aavi rahyu pan koike bahu sachu kahyu chhe ke,
    " Ek bija baajoo nahi pan ek disha baajoo juve e sacho prem!"

    E prem ni anubhooti thaay etla sensitive banva mate conscious rahi ne prayatno na karva pade etlu aikya sadhi shaknar darek yugal nu jeevan sukhmay j bani rehshe!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

If they give you ruled paper, write the other way

આત્માનો અમી --- ઓળખો, વહેંચો અને જીવો

Tongue Twister or Thought Twister...